આજથી રાંધણ ગેસનું સિલિન્ડર થયું મોંઘુ, ચુકવવી પડશે આટલી વધારે કિંમત
Monday 1 June 2020
Comment
ગેસ સિલિન્ડર અને હવાઈ જહાજ માટેના ઈંધણનો ભાવ વધ્યો સામે કેરોસીનના ભાવમાં કાપ
દેશમાં આજથી અનલોક 1.0નું પર્દાપણ થયું છે અને તે સાથે પહેલા જ દિવસે સામાન્ય જનતા માટે આંચકારૂપ સમાચાર છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી વગરના એલપીજી રાંધણ ગેસની કિંમતોમાં વધારો કરી દીધો છે. આજથી 19 કિલોગ્રામ અને 14.2 કિગ્રાવાળા સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ વધી ગયો છે. તેલ કંપનીઓ દર મહીને એલપીજી સિલિન્ડરના ભાવોની સમીક્ષા કરે છે. દરેક રાજ્યનો ટેક્સ વિભિન્ન હોય છે અને તેના આધારે એલપીજીની કિંમતોમાં ફેરફાર હોય છે.
સબસિડી વગરનો સિલિન્ડર આટલો મોંઘો થયો
આઈઓસીએલની વેબસાઈટ પરથી મળતી વિગતો પ્રમાણે દિલ્હીમાં 14.2 કિગ્રાનો સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થયો છે અને તેની કિંમત વધીને 581.50માંથી 593 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં તેનો ભાવ 584.50થી વધીને 616 રૂપિયા થઈ ગયો છે. તે સિવાય મુંબઈમાં તે 579 રૂપિયાથી વધીને 590.50 રૂપિયા થયો છે જ્યારે ચેન્નાઈમાં 569.50થી વધીને 606.50 રૂપિયા થયો છે.
19 કિગ્રાનું સિલિન્ડર આટલું મોંઘુ થયું
દિલ્હીમાં 19 કિગ્રાનું સિલિન્ડર 110 રૂપિયાના ભાવ વધારા સાથે 1029.50થી 1139.50 રૂપિયાની કિંમતે બોલાવા લાગ્યું છે. કોલકાતામાં તેની કિંમત 1086થી વધીને 1139.50 થઈ ગઈ છે. મુંબઈમાં તે 978થી વધીને 1087.50 રૂપિયાનું થઈ ગયું છે જ્યારે ચેન્નાઈમાં 1144.50થી વધીને 1254 રૂપિયાનું થઈ ગયું છે.
હવાઈ જહાજોનું ઈંધણ મોંઘુ થયું
આજથી વિમાની ઈંધણ, એવિએશન ટર્બાઈન ફ્યુલ (ATF)ની કિંમતોમાં પણ વધારો થયો છે. સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઈન્ડિય ઓઈલની વેબસાઈટ પ્રમાણે દિલ્હીમાં એટીએફની કિંમત 11030.62
રૂપિયા પ્રતિ કિલોલીટર વધારીને 33,575.37 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. વિમાનમાં ઈંધણ તરીકે વપરાતા એટીએફની કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં કિંમત અનુક્રમે 38,543.37, 33,070.56 અને 34,569.30 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.
કેરોસીનની કિંમતમાં કાપ
દિલ્હી કેરોસીન ફ્રી શહેર છે માટે ત્યાં કેરોસીનના ભાવ જાહેર નથી થતા પરંતુ કોલકાતામાં આજથી કેરોસીનનો ભાવ 12.12 રૂપિયા પ્રતિ લીટર ઘટીને 27.85થી 15.73 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં એક લીટર કેરોસીનનો ભાવ અનુક્રમે 13.96 અને 13.60 રૂપિયા થયો છે.
ગેસ સિલિન્ડર પર સબસિડી
સરકાર હાલ ઘરદીઠ એક વર્ષમાં 14.2 કિગ્રાના 12 સિલિન્ડર પર સબસિડી આપે છે અને તેનાથી વધારે સિલિન્ડર માટે બજાર કિંમત ચુકવવી પડે છે.
0 Response to "આજથી રાંધણ ગેસનું સિલિન્ડર થયું મોંઘુ, ચુકવવી પડશે આટલી વધારે કિંમત"
Post a Comment