બુધવારથી રાજ્યમાં ST બસો દોડશે, ચાર ઝોનમાં ચાલશે બસ
Tuesday 19 May 2020
Comment
સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય એમ ચાર ઝોનમાં બસો દોડશે, અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે બસો નહીં દોડે.
અમદાવાદ : રાજ્ય સરકાર (Gujarat Government)ની જાહેરાત બાદ એસટી નિગમે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આવતીકાલ એટલે કે બુધવારથી રાજ્યમાં બસ સેવા શરૂ થશે. આ માટે એસટી તરફથી ચાર ઝોનમાં બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે GSRTC તરફથી બસો દોડાવવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. એસ.ટી. તરફથી બીજો એક અગત્યનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે મુસાફરોએ બસ માટે ઓનલાઇટ ટિકિટ લેવાની રહેશે. બસ સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો પરથી ટિકિટ નહીં મળે. આ ઉપરાંત ટિકિટ માટેની રકમની ચૂકવણી પણ ડિજિટલ પેમેન્ટ થકી કરવાની રહેશે
.
એક ઝોનની બસ બીજા ઝોનમાં નહીં પ્રવેશે! : એસટી નિગમ તરફથી સૌથો મોટો નિર્ણય એ કરાયો છે કે એક ઝોનની બસ બીજા ઝોનમાં પ્રવેશ નહીં કરે. એટલે કે એસ.ટી.ની બસો જે તે ઝોનમાં જ દોડાવવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો સૌરાષ્ટ્રની બસ હશે તો તે સૌરાષ્ટ્ર ઝોનમાં જ દોડશે, પછી તે મધ્ય કે અન્ય કોઈ ઝોનમાં પ્રવેશી શકશે નહીં. આ સાથે બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડશે. બસમાં તેની ક્ષમતાના 70 ટકા જ મુસાફરો ભરવામાં આવશે.
સવારે સાતથી સાંજના સાત જ દોડશે બસ : એસટી તરફથી બીજો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે આ બસો સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જ દોડશે. સાંજના સાત વાગ્યાથી સરકાર તરફથી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે, આથી આ સમયગાળા દરમિયાન કર્ફ્યૂનું પાલન કરવામાં આવશે.
પ્રવાસીનું થર્મલ સ્કેનિંગ થશે : બસ સ્ટેશન પરથી પ્રવાસીને બેસાડવામાં આવશે તે પહેલાં પ્રવાસીઓનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. આ દરમિયાન જો કોઈ મુસાફરનું તાપમાન વધારે હશે તો તેને બસમાં પ્રવેશ નહીં આપવામાં આવે. મુસાફરોને સેનિટાઈઝ કર્યા બાદ જ બસમાં બેસવાની પરવાનગી આપવામાં આવશે. આ ઉપરાંત દરેક પ્રવાસીએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજીયાત પહેરવું પડશે. બસમાંથી પ્રવાસી પાનની પીચકારી નહીં મારી શકે. એક બસમાં 30 જેટલા પ્રવાસીને બેસાડવામાં આવશે. એટલું જ નહીં બસમાં ચડતી અને ઉતરતી વખતે પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત બસ સેવા શરૂ થાય તે પહેલા દરેક બસોને સેનિટાઇઝ કરવામાં આવશે.
અમદાવાદ ગ્રામ્યમાં 88 બસો દોડશે : એવી પણ માહિતી મળી છે કે અમદાવાદ ગ્રામ્યમાં 88 જેટલી બસો દોડશે. સરકારની જાહેરાત પ્રમાણે હાલ અમદાવાદમાં એસ.ટી.ની બસો નહીં દોડે. એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે પણ બસો નહીં દોડી શકે. હાલ એક તાલુકાથી બીજા તાલુકા વચ્ચે જ બસો દોડશે. આ દરમિયાન વચ્ચે બસ ઊભી પણ નહીં રહે અને વચ્ચેથી મુસાફરને બસમાં બેસાડવામાં પણ નહીં આવે.
0 Response to "બુધવારથી રાજ્યમાં ST બસો દોડશે, ચાર ઝોનમાં ચાલશે બસ"
Post a Comment