90 વર્ષની વયે પ્રખ્યાત જ્યોતિષ બેજાન દારૂવાલાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Friday 29 May 2020
અમદાવાદથી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 90 વર્ષની વયે જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું નિધન થયું છે. બેજાન દારૂવાલા છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. અને તેઓની હાલ સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં બેજાન દારૂવાલાએ અંતિમ શ્વાસ લીધા હતા.
થોડા દિવસો પહેલાં ન્યુમોનિયા અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ખુબ જ ઓછું થઈ જતાં બેજાન દારૂવાલાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જે બાદ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ વેન્ટિલેટર પર હતા. અને આજે સારવાર દરમિયાન તેઓનું નિધન થયું હતું.
થોડા દિવસો પહેલાં જ બેજાન દારૂવાલા કોરોનાથી સંક્રમિત હોવાની અફવા ઉડી હતી. જે મામલે બેજાન દારૂવાલાના પુત્રએ કોરોનાના લક્ષણોનો પણ ઇનકાર કરતાં કહ્યું કે, તેમને ફેફસામાં ઇન્ફેક્શન છે. જ્યોતિષી બેજાન દારૂવાલાની તબિયત લથડતા તેઓને 23 મેના રોજ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બેજાન દારૂવાલાનો જન્મ 11 જૂલાઈ 1931ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ અંગ્રેજીના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. બેજાન દારૂવાલાએ પીએમ મોદી ફરીથી વડાપ્રધાન બનશે તેવી આગાહી કરી હતી. સંજય ગાંધીની મોતની ભવિષ્યવાણીને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા.
આ પણ વાંચો : GPSC દ્વારા 1થી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ; રદ કરાયેલી તમામ પરીક્ષાની તારીખ 20 જૂને વેબસાઈટ પર કરાશે જાહેર
આ પણ વાંચો : GPSC દ્વારા 1થી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ; રદ કરાયેલી તમામ પરીક્ષાની તારીખ 20 જૂને વેબસાઈટ પર કરાશે જાહેર